GTU નો 14 મો સ્થાપના દિવસ : ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની ફરી એકવાર ડિજિટલ માધ્યમથી સ્થાપના દિવસની ઉજવણી , શિક્ષણમંત્રી ઓનલાઈન જોડાયાં
* જીટીયુ દ્વારા જુદી - જુદી 3 કેટેગરીમાં 113 કોરોના વોરિયર્સને સર્ટિફિકેટ્સ આપીને સન્માનિત કરાયા
• રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ 14 મા સ્થાપનાદિવસની ટેલિફોનિક શુભકામનાઓ પાઠવી ટેક્નિકલ
ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે દેશ વિદેશમાં રાજ્યનું નામ રોશન કરનાર અને ગુજરાતની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી એટલે કે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ ( GTU ) આજરોજ 13 વર્ષ પૂર્ણ કર્યા છે . વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિજિટલ માધ્યમ થકી જીટીયુએ તેના 14 માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી . આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગેસ્ટ ઑફ ઓનર તરીકે રાજ્યસભાના સાંસદસભ્ય રામભાઈ મોકરીયા ડિજિટલ માધ્યમ થકી જોડાયાં હતાં . જીટીયુના કુલપતિ પ્રો . ડૉ . નવીન શેઠ , કુલસચિવ ડૉ . કે . એન . ખેર , જીએસએમએસના ડાયરેક્ટર ડૉ . પંકજરાય પટેલ , બીજી મેમ્બર પ્રો . ડૉ . એસ . ડી . પંચાલ તેમજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ભૂતપૂર્વ આચાર્ય ડૉ . હિતેશ જાની અને ધ ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલના પ્રિન્સિપલ કાઉન્સેલર એસ . કાર્તિકેયન ડિજિટલ માધ્યમ થકી ઉપસ્થિત રહ્યા હતાં .
જીટીયુના કુલસચિવ ખેરેએ શુભેચ્છા પાઠવી
પ્રાસંગિક ઉદ્દબોધનમાં જીટીયુના કુલસચિવ ડૉ . કે . એન . ખેરે સમગ્ર જીટીયુ પરિવારને 14 માં સ્થાપનાદિન નિમિત્તે શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે , ટૂંકાગાળામાં જીટીયુએ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તર પર મેળવેલી અનેક સિદ્ધિઓનો શ્રેય તમામ વિદ્યાર્થીઓ , ફેકલ્ટીઝ અને સમગ્ર જીટીયુ પરિવારને ફાળે જાય છે . જીટીયુના સ્થાપના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કરતાં કુલપતિ પ્રો . નવીન શેઠે જણાવ્યું હતું કે , વડાપ્રધાન દ્વારા વાવેલાં આ ટેક્નિકલ બિજ વટવૃક્ષ બનીને દેશ અને વિદેશમાં પણ ટેક્નિકલ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે . ખેરેએ જીટીયુ કોરોના વોરિયર્સને પણ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે , કોરોનાકાળમાં પણ આપ સર્વેએ જીટીયુની વિવિધ પ્રવૃત્તિમાં સહભાગી થઈને ખરા અર્થમાં વોરિયર્સની ભૂમિકા અદા કરી છે . લોકડાઉન સમયમાં વિદ્યાર્થીઓના ભણતરને કોઈ પણ પ્રકારની હાની ના થાય તે માટે જીટીયુના ફેકલ્ટીઝ દ્વારા 8000 થી વધુ વીડિયો લેક્ઝર્સ રેકોર્ડ કરીને અપલોડ કરવામાં આવ્યા હતાં , તે તમામ ફેકલ્ટીઝને પણ બિરદાવ્યા હતાં . ટેક્નિકલ કારણોસર આજના ગેસ્ટ ઑફ ઓનર અને રાજ્યસભાના સાંસદસભ્ય રામભાઈ મોકરીયા હાજર રહી શક્યા ન હતાં . પરંતુ તેમણે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝ તેમજ સમગ્ર સ્ટાફગણને 14 માં સ્થાપનાદિવસની ટેલિફોનિક શુભકામનાઓ પાઠવી હતી .
કોરોનાકાળમાં પણ માનવસેવા કરી ઉત્તમ યુનિવર્સિટીનું ઉદાહરણ પુરૂ પાડ્યું
મુખ્ય અતિથિ અને ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે , જીટીયુએ અનેક મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પ્રોબ્લેમને ઓપર્ચ્યુનિટીમાં ફેરવીને નવીનત્તમ ટેક્નોલોજી વિકસાવી માનવજાત અને સરકારને સહાયરૂપ થયેલી છે . કોરોના કાળમાં માનવજાતની સેવા કરીને જીટીયુએ ખરા અર્થમાં ઉત્તમ યુનિવર્સિટીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે . જીટીયુના વિવિધ સ્ટાર્ટઅપ દ્વારા માસ્ક , સેનિટાઈઝર અને 3 ડી ફેસશિલ્ડનું નિર્માણ , લોકડાઉન સમયે ગૃહ વિભાગ દ્વારા પણ જીટીયુના સ્ટાર્ટઅપ નિર્મિત ઉપયોગમાં લેવાયેલા ડ્રોન . આ ઉપરાંત સમાજની જરૂરિયાતને ધ્યામાં રાખીને ICMR માન્યતા પ્રાપ્ત જીટીયુ બાયોટેક લેબમાં 6 ક્લાકના સમયમાં જ કોવિડ ટેસ્ટીંગ કરી શકાય તેવી ક્લાસ -2 શ્રેણીની અદ્યતન લેબ વિકસાવવી અને જીટીયુ ફાર્મસી વિભાગ દ્વારા પણ રેમડેસિવિરની ખરાઈ માત્ર 5 મિનિટની સમય મર્યાદામાં કરી આપીને જીટીયુએ કોરોનાકાળમાં રાષ્ટ્રસેવાની ફરજ પરિપૂર્ણ કરી છે .
3 કેટેગરીમાં કોરોના વોરિયર્સને સર્ટિફિકેટથી સન્માનિત કરાયા
" જીટીયુ કોરોના વોરિયર્સની " થીમ પર જીટીયુના 14 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી . વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓમાં જીટીયુના વિદ્યાર્થીઓ , ફેકલ્ટીઝ અને સ્ટાફગણ દ્વારા કોરોના મહામારી સામે લડત આપીને ખરા અર્થમાં કોરોના વોરિયર્સ તરીકે કાર્યરત રહ્યાં હતાં . જીટીયુ દ્વારા જુદી - જુદી 3 કેટેગરીમાં 113 કોરોના વોરિયર્સને સર્ટિફિકેટ્સ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં . જેમાં ફ્રન્ટ લાઈન વોરિયર્સની કેટેગરીમાં 24 , સોશિયલ એન્ડ મેન્ટલ હેલ્થ વોરિયર્સની કેટેગરીમાં 26 અને એકેડમીક વોરિયર્સની કેટેગરીમાં 63 જીટીયુ કોરોના વોરિયર્સને સન્માનીત કરાયાં . આ ઉપરાંત ડૉ . હિતેશ જાની દ્વારા “ કોરોના ક્યાં સુધી ” અને એસ . કાર્તિકેયન દ્વારા “ હેલ્થ એન્ડ વેલ બિઈંગ ઈન ગ્રીન બિલ્ડિંગ એન્ડ બિલ્ટ એન્વાયરમેન્ટ ” વિષય પર વ્યાખ્યાન પણ અપાયું હતું .



0 Comments